Featured

આકાશ બધે આસમાની છે

“ આકશ બધે આસમાની છે “ આ વાત તો એક નાનો બાળક પણ માની જ લે ને ! હા, કોઈ વાર વાદળ આવે ત્યારે કાળું ભમ્મર થાય એ અલગ છે. આ લેખનું મથાળું અત્યારે મેં વાચવા લીધેલા પુસ્તક “ શિયાળાની સવાર નો તડકો “ નું પહેલું પ્રકરણ છે. આ પુસ્તક શ્રી વાડીલાલ ડગલી નું છે. આ પુસ્તક મેં વાપીના લેખક અંકિત દેસાઈ ની ફેસબુક પોસ્ટમાં જોયું હતું. એમણે એવું લખ્યું હતું કે, બહાર જાઉં ત્યારે આ પુસ્તક હું સાથે રાખી શકું અને કોઈ એક ખૂણામાં બેસીને એને ફરી ફરીને વાચી શકું. આ વાક્યએ મને આ પુસ્તક વાચવા પ્રેર્યો. એટલે મેં મંગાવ્યું.

હવે એનો પહેલો લેખ “ આકાશ બધે આસમાની છે “ વાંચવાનો ચાલુ કર્યો અને એ લેખ સાથે સાથે હું એ પુસ્તકનાં પ્રેમમાં તણાતો ગયો અને એ વાચ્યા પછી તરત જ અહિયાં એના વિષે થોડુક લખવાની ઈચ્છા થઇ ગઈ.

લેખની શરૂઆતમાં  લેખક એમના માસીજીના દીકરાને વિદેશ જતા વળાવવા જાય છે ત્યારે દીકરાને વળાવતી વખતે માસી રડે છે અને તે જ વખતે માસી લેખકને પૂછે છે કે શું અમેરિકામાં પણ કોઈ માં પોતાના દીકરાને આવી રીતે વળાવતી વખતે રડી પડે છે ? ત્યારે લેખક કહે છે કે ‘ અરે રડે ? ભાંગી પડે છે’ આ સાંભળીને માસીને ધરપત થઇ કે હું એકલી નથી જે આવી રીતે રડે છે. એટલે કહેવાનો મતલબ કે લાગણી બધે જ હોય છે, કોઈ અલગ રીતે દર્શાવે તો બીજા કોઈ બીજી રીતે દર્શાવે.

આપણો પહેરવેશ જુદો હોય, રહેણીકરણી જુદી હોય, રંગ જુદો હોય પણ એનાથી કઈ કોઈનું હૃદય બદલાતું નથી. અહિયાં એક પંક્તિ લખી છે ,

ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા,

અંતે તો હેમનું હેમ હોય.

હવેનો એક ફકરો એમના જ શબ્દોમાં.

દુનિયાના બધાજ લોકો દુખ ટાળવાના પ્રયત્નો કરે છે. બધાને પ્રેમ કરવો ગમે છે. બધાને હસવું ગમે છે. બધાને દુખ વખતે રડવાનું મન થઇ જાય છે. બધાને સુખ જોઇએ છે. પ્રેમ, ધિક્કાર જન્મ અને મૃત્યુ – બધાને વત્તી ઓછી તીવ્રતામાં હલાવી મુકે છે. હલે છે તો બધા, ભલે ભાષા જુદી બોલતા હોય, ભલે કપડા જુદા પહેરતા હોય, ભલે વધુ સુખી હોય કે આપણાથી હજારો માઈલ દુર હોય, માણસના હૃદયના મૂળભૂત ભાવ એકસરખા હોય છે. બહારની કાચલી જુદા જુદા ઘાટની અને જુદા જુદા રંગની દેખાય છે, પણ અંદરનું ટોપરું તો એક જ હોય છે.

છેલ્લે એક વાત બીજી એમના જ શબ્દો માં, કે એ જયારે અમેરિકા હતા ત્યારે એમને ન્યુયોર્ક જવાનું થયું. એ જ્યાં રહેતા હતા એની સરખામણીએ ન્યુયોર્ક મોંઘુ શહેર હતું. તો એમના મકાનમાલિકના પત્નીએ તેમને કોથળીમાં સેન્ડવીચો બાંધી આપી, અને કહ્યું કે ન્યુયોર્ક ખર્ચાળ શહેર છે, તો આ સેન્ડવીચ જોડે કોફી લઈને ખાઈ લેજો. આમજ તેઓ જયારે ભારત હતા ત્યારે જોરાવરનગરથી મુંબઈ જતા ત્યારે એમના બા સાથે થેપલા અને મરચાનો ડબ્બો ભરી આપતા અને કહેતા કે મુંબઈ ખર્ચાળ શહેર છે, તો ચા જોડે થેપલા ખાઈ લેજે. જોયું, શહેર અને દેશ બદલાયો, ખાવાની વસ્તુ બદલાઈ પણ લાગણી તો એક જ છે.

એટલે જ.... આકાશ બધે આસમાની જ છે એમ માણસો પણ બધે સરખા જ હોય છે.