ગાંઠોડિયો દોરો

આજથી 20 વર્ષ પહેલાંની ઉત્તરાયણ ની વાત આજે કરવી છે. એટલે લગભગ 1995-96 ની આસપાસ ના સમયની. (મને બહુ સાલ યાદ રહેતી નથી એટલે પાક્કી ખબર નથી ) ઉત્તરાયણ આવવાને થોડા દિવસો ની વાર હતી, અને મારે પતંગ ચગાવવી હતી. તો મમ્મીએ એક દોરાનો પિલ્લો ( કાગળના ડૂચા પર વિટેલો દોરો ) કાઢી આપ્યો. એમા 6 તાર, 9 તાર, 12 તાર, લાલ કલરની, સફેદ કલરની, કાળા કલરની, બળેલી દરેક પ્રકારની દોરી હતી. ઉત્તરાયણ વખતે ધાબા પરથી પકડેલી પતંગોના એ ડોરા હતા. બધી જ જાતની દોરી ની મજા એક જ પિલ્લામા આવતી. એને ગાંઠોડિયો દોરો કહેવાય. એ વખતે અમારા જેવડા બધા છોકરા એવા જ દોરાથી પતંગ ચગાવતા, અને લંઘીસ પણ લડાવતા.

એ પિલ્લાની મજાની વાત એ હતી કે, જો ચાલુ દોરો કાચો હોય અને લંઘીસ કપાઈ જતું હોય તો એટલો થોડોક કાઢી નાંખો તો પાછળ એનાથી પાકો દોરો પણ હોઈ શકે. અને જો ઇવો જ દોરો આવી જાય તો આપણો તો વટ પડી જાય. પછી તો બધાના લંઘીસ ભરાયી ને મોભાદાર બની જવાનું. પતંગ પણ આવા દોરાથી જ ચગાવવી પડતી હતી, અને એની પણ માજા આવતી. જેટલી ગાંઠો વધારે એટલી દોરી રિમજીમ થતી જાય અને દોરી સ્પ્રિંગ જેવી થાઈ જાય. પણ માજા આવે ચગાવાની. પણ એની માજા એ હતી કે પેચ કયા દોરામાં થાય છે એની પર પતંગ કાપવાનો કે કપાવાનો આધાર હોય છે. હવે ઉત્તરાયણ ના દિવસે પણ જ્યારે ચાગેલી પતંગ ઉતાર્યા પછી દોરી વીંટતી વખતે ઘુચ થાય ત્યારે દિવસ નો અડધો સમય તો એ ઘુચ કાઢવામાં જતો હતો. જ્યારે અત્યારે કોઈ ને એ ઘુચ કાઢવામાં રસ જ નથી. અત્યારે લોકો ત્યાંથી દોરો તોડી ને ફેંકી દેવાનું વધારે પસંદ કરે છે, કેમકે એમને પતંગ માંથી સમય કાઢીને વોટ્સએપ, ફેસબુક પણ કરવાનું હોય છે, જ્યારે અમારા વખતે એવું કાઈ હતું નહીં.

હવે આજે આ વાત એટલે યાદ કરી કે સમય બદલતા ઘણું બધું બદલાઈ ગયું છે. જેમ ગાઠોડીયા દોરા વાપરવાના ઓછા થઈ ગયા છે, તેમજ કોઈ સંબંધ ને સાચવવા કોમ્પ્રોમાઇસ ની એક ગાંઠ બાંધવા તૈયાર નથી. કોઈ સંબંધ એક વાર તૂટ્યો એટલે ખલાસ. પહેલા વડીલો કોઈ સંબંધી જોડે રિસામણા-માનમણાં કરતા, કેમકે સંબંધો ની જરૂર હતી. અત્યારે લોકો ને એટલી જરૂર જણાતી નથી લાગતી.

ઉત્તરાયણે ધાબા પર દોરાની ઘુચ ઉકેલતા લોકોએ સંબંધો ની ઘુચ પણ ક્યારેક ઉકેલવી જોઈએ

— ઉત્તરાયણ જ્ઞાન

જેમ ગાઠોડીયા દોરા થી લંઘીસ ના ફાયદા છે એમ જ ગાઠોડીયા સંબંધો ના પણ ફાયદા તો છે જ. કોઈ એક થોડો આડો હોય તો આપણું કામ સાચવવા અથવા તો અથવા મદદ કરવા બીજો સંબંધી કે મિત્રા તૈયાર હોય છે. પણ જો ફિરાકી ના એક સળંગ દોરા જેવા સંબંધ મા જો એ મિત્ર કે સંબંધી સારો ના હોય તો એકેય કામ આપણા પાર ન પાડું શકે. ( આમ મારો કહેવાનો આશય લાગ્નેત્તર સંબંધ જોડે નથી. તેમાં ગાઠોડીયા ના ચાલે.)

હવે આ વખતની ઉત્તરાયણ તો પતી ગઈ, પણ આવતી ઉત્તરાયણ સુધી સંબંધો ને ગાંઠ મારતા શીખી જજો અને થોડી ગાઠોડીયા દોરી પણ વાપરી જોજો….