સરદાર એટલે સરદાર… અખંડ ભારત ના ઘડવૈયા….


આજથી લગભગ ૨ વર્ષ પહેલા સરદાર પટેલ વિષેની એક બુક “સરદાર એટલે સરદાર “ ખરીદી હતી. ગુણવંત શાહે લખેલી એ બુકમાં તેમના પત્રો, ભાષણો વિષે ખુબજ વિગતમા લખેલું છે. જયારે આઝાદી માટે ગાંધીજી સત્યાગ્રહો કરતા હતા ત્યારે તો સરદાર સાહેબ તેમની સાથે હતા જ, પણ આઝાદી મળ્યા પછી અથવાતો એમ કહી શકાય કે આઝાદી આપવાનું નક્કી કર્યા પછી, ૫૬૫ દેશી રજવાડાઓને ભેગા કરી એક અખંડ ભારત બનાવવું એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું હતું. એ કામ સરદારે ભારે કુનેહથી અને સમયસર પાર પાડ્યું, આઝાદી મળી ત્યારે ભારતની સ્થિતિ એક એવા ખેતર જેવી હતી, કે જે ખેતર વિશાળ તો હતું, પરંતુ એમાં ગુંઠા બે ગુંઠાના નાના મોટા અનેક ટુકડાઓ હતા. એ એવું ખેતર હતું જેના સીમાડા સ્પષ્ટ ન હતા. પરંતુ અંદર પડેલા ટુકડાઓની ફરતે તો વાડો હતી જ ! સરદારે આવી આડી અવળી પાથરેલી વાડો બહુ ઓછા સમયમાં ભૂસી નાખી અને ભારતના નકશાને જાળવી લીધો.

હવે આ વિલીનીકરણ કરવાના પ્રયત્નોમાં સરદારને માઉન્ટબેટન નો ઘણો સહકાર મળ્યો. વિલીનીકરણ માટેની એક મીટીંગની વાતચીતનો એક અંશ ખુબ સરસ છે.

સરદાર.   :   તમે જો ઝાડ પરથી બધાજ  સફરજન તોડીને ટોપલીમાં મને આપો તો હું લઉં, પણ જો બધાજ                               સફરજન ન હોય તો ન લઉં.                                                                                         માઉન્ટબેટન    : તમે મારે માટે ડઝન તો છોડશો ને ?  સરદાર : એ તો ઘણા કહેવાય, હું તમને બે                                                    આપીશ.                                                                                                                 માઉન્ટબેટન      : બહુ ઓછા કહેવાય.

થોડીક મીનીટો સુધી આ બંને જણ આની પર ચર્ચા કરતા રહ્યા અને છેલ્લે ૫૬૫ માંથી ૬ કરતા થોડાક વધારે પાકિસ્તાનમાં જોડાય એવું ઠર્યું. અને પછી ચાલુ થઇ વિલીનીકરણ ની પ્રક્રિયા.

હવે આમા હૈદરાબાદ, જુનાગઢ અને ભોપાળ જેવા મુસ્લિમ રાજ્યકર્તાઓને પાકિસ્તાનમાં જોડાવાની ઈચ્છા હતી અને ઝીણા તેમને પ્રોત્સાહન પણ આપતા હતા. ભારતમાં ન જોડવા બાબતે ભોપાળના નવાબ અને ઇન્દોરના મહારાજા વચ્ચે સમજુતી થયેલી કે આપણે જે નિર્ણય કરીશું તે સાથે મળીને વિચારીશું. પણ વી.પી. મેનન ની અનેક મુલાકાતો પછી ભોપાલના નવાબે ભારતમાં જોડાવવા માટે સહી કરી આપી, પણ તેણે પંદરમી ઓગસ્ટ સુધી એ વાત જાહેર ન કરવાની સરદારને વિનંતી કરી. આ બનાવ પછી ઇન્દોરના મહારાજાને દિલ્હી જવાનું થયું. એમની ટ્રેન દિલ્હી પહોચી ત્યાં સુધી એમણે નક્કી કરી રાખેલું કે સહી કરવી નથી. દિલ્હી સ્ટેશને પહોચ્યા પછી મહારાજાએ સરદારને સંદેશો પહોચાડ્યો કે તેઓ મહારાજને મળવા ઈચ્છતા હોય તો સ્ટેશને આવી શકે છે. સરદાર ન ગયા અને રાજકુમારી અમૃત કૌર ને મોકલ્યા. રાજકુમારી ગાંધીજી ના રાજવંશી અનુયાયી હતા. સરદાર જાણતા હતા કે જાજરમાન રાજકુમારીનો ભપકો મહારાજા આગળ ઉપયોગી થશે. રાજકુમારીને જોઇને તેઓ ખુશ તો થયા, પરંતુ થોડાક મુંજાયા પણ ખરા. તેમણે રાજકુમારીને પૂછ્યું : ‘ હું અહી છુ એવું તમે ક્યાંથી જાણ્યું ?’ છેવટે રાજકુમારીએ તેમેને સરદારને મળવા માટે માનવી લીધા, પણ હજી તેમની મુંજવણ નો પાર ન હતો, કેમકે તેમણે ભોપાલના નવાબ જોડે મૌખિક સંમતિ કરી હતી કે આપણે ૧૫ ઓગસ્ટે જ આપણા રાજ્યોને સ્વતંત્ર જાહેર કરીશું. તેથી તેમણે કહ્યું કે તેઓ ભોપાળના નવાબને મળીને જ સહી કરશે. અને છેવટે તેમને ભોપાળના નવાબની સહી બતાવવામાં આવી અને ત્યારે મહારાજાએ કશુય બોલ્યા વગર સહી કરી આપી.

આમ સરદારની કુનેહથી ભારતની વચ્ચોવચ આવેલા બે રાજ્યો ભારતમાં જોડાવવા માટે સંમત થઇ ગયા.
આ ઉપરાંત સરદારે સ્વીકારેલી શિસ્ત કેવી નમૂનેદાર હતી તેનો એક પ્રસંગ. સામાન્ય રીતે વિલીનીકરણ વખતે એવો નિયમ સ્વીકારયો હતો કે વસ્તીનું માળખું અને ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં રાખીને પ્રત્યેક રાજ્ય ભારત કે પછી પાકિસ્તાન સાથે જોડાઈ શકે. હવે “ કલાત “ ના ખાને અને બહાવલપુર ના નવાબે ભારત માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ તેમની વસ્તી મોટેભાગે મુસ્લિમ હતી અને વળી તે બંને અનુક્રમે પાકિસ્તાનમાં અને ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા હતા. તેથી સરદારે તેમને પાકિસ્તાનમાં જોડવા માટે સમજાવ્યા. કેમકે સરદાર પ્રમાણિકપણે પાકિસ્તાન સાથે ખોટું ઘર્ષણ ટાળવા માંગતા હતા.

આમ આવા તો કેટલાય કિસ્સા આ બુક માં લખેલા છે. જો આ બધા પ્રશ્નો હલ ન થયા હોત તો આજે ભારતનો નકશો કૈક અલગ જ હોત.

એટલે જ……   સરદાર એટલે સરદાર…….

Advertisements