ચલતી કા નામ જિંદગી

સવારનો સમય હોય એટલે બધા પોત પોતાના નોકરી, ધંધે, સ્કુલે કે જ્યાં જવું હોય ત્યાં જવાની તૈયારી કરતા હોય. અને દરેક પોતપોતાને ગમતા અને ફાવતા વાહનો વાપરતા હોય છે. મારે તો આ રોજ જ જોવાનું થાય, કારણ…. રોજ મારે લગભગ ૧૫ ગામડા વટાવીને ઓફીસ જવું પડે. જોકે મારે મારી સ્ટાફ બસમાં જ જવાનું હોય છે, એટલે બધાજ ગામડાનું સૌન્દર્ય માણવા મળે. હું ઘણી વાર જોતો હોઉં કે, રોજ સવારમાં દરેકનો નિત્યક્રમ એક જેવો જ હોય પણ તેની પદ્ધતિ ગામડે ગામડે અલગ હોય. હા, હું આણંદ થી નીકળું ત્યારે કોઈ બાઈક કે ગાડી લઈને ઓફીસ જતા હોય, સાથે છોકરાઓને સ્કુલે મુકવા લઇ જતા હોય. મોટા છોકરાઓ જાતે સાયકલ લઈને જતા હોય, એનાથી મોટા હોય તો બાઈક કે એકટીવા લઈને જતા હોય. પણ જેમ જેમ આગળના ગામડાઓમાં જતો જાઉં તેમ તેમ આ પદ્ધતિઓ બદલાતી જાય. આજે એ જ વાત કરવી છે, કે ચલતી કા નામ ગાડી તો છે, પણ ચાલતી કા નામ જિંદગી પણ છે.

હવે આણંદથી આગળ નીકળી બંધણી સુધી પહોચતા ઘણા લોકો નોકરી-ધંધે જવા માટે સીટી બસ ની રાહ જોઈને ઉભા હોય. તેમના ટીફીન અને સાથે રાખેલી બેગ કે થેલી પણ શહેર વાળા લોકો કરતા અલગ જ હોય. તેમનો પહેરવેશ પણ અલગ હોય. છોકરાઓ સ્કુલે ચાલીને જતા હોય કાતો તેમના મમ્મી-પપ્પા સાથે ચાલતા જતા હોય અને જોડે એક થેલીમાં ચોપડા હોય. જયારે બીજી બાજુ ખેતી કરનારા લોકો ટ્રેક્ટર લઇને ખેતરમાં જતા હોય. વળી કોઈ ખેતરની રખેવાળી કરવા માટે ખંભા ઉપર લાકડી મૂકી, તેની ઉપર હાથ વીટાળી અને ખેતરની વચ્ચે પડતી સાંકડી કેડી પર ચાલ્યા જતા હોય. મને આ દ્રશ્ય જોવાનું ખુબ જ ગમે. આમાં એક વાર મેં એક જુવાન અને એક ઉમર વાળા બે જણને ખેતરમાં હળ ચલાવતા જોયા. એમાં જે જુવાન છોકરો હતો એ હળ ખેચતો હતો અને પેલા થોડા મોટી ઉમરના ભાઈ પાછળથી ધક્કો મારતા હતા. જેમ શહેરમાં છોકરો તેના પિતાને ધંધામાં મદદ કરે તેમજ તે છોકરો તેના પિતાને ખેતીમાં મદદ કરતો હોય તેવું મને લાગ્યું. આ ઉપરાંત ભરવાડ ગાયો-ભેસો ચરાવા લઈને નીકળ્યા હોય અને રસ્તો બંધ થઇ ગયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે. અને મારો ટ્રાવેલિંગ સમય સવારે ૭.૩૦ થી ૮.૩૦ નો હોય છે, એટલે આ બધું અચૂક જોવા મળે. આ ઉપરાંત સ્ત્રીઓ ઘરના ફળિયામાં છાણા લીપતી હોય, છોકરાઓ રમતા હોય, ભાભાઓ ખાટલામાં બેઠા બેઠા બીડીઓ પીતા હોય, આવા ઘણા દ્રશ્યો જોવા મળે. પણ રોજ જોવા મળતું એક દ્રશ્ય દિલમાં ડૂમો ભરી મુકે છે. આ બધાની વચ્ચે કેટલાક બાળકો કે જે લગભગ ૮ થી ૧૦ વર્ષ સુધીના હશે, તેઓ સવાર સવાર માં કેડમાં બેડા લઈને પાણી ભરવા જતા હોય છે. અને એથીય વધારે ત્યારે લાગી આવે કે જયારે તેઓ બેડા લઈને જતા હોય ત્યારે ઘરના વડીલ પુરુષો ખાટલામાં બેઠા બેઠા વહટીઓ ( ખોટી પંચાતો ) કરતા હોય.

હવે આ તો રોજનું થયું, પણ એક વાર ગઢડા જવાનું નક્કી કર્યું. એ સારંગપુરથી આગળ આવેલું સ્વામિનારાયણ ભગવાનનું પોતાનું ગામ છે. ( કેમકે ભગવાન છપૈયામાં નથી રહ્યા એટલું ગઢડામાં રહ્યા છે. અને  ભગવાને પોતે કહેલું કે હું ગઢડાનો અને ગઢડુ મારે એ કદી નથી મટવાના, આજની તારીખે પણ તેનું આખું નામ ગઢડા – સ્વામિનારાયણ છે.) મને ત્યાના મંદિર પ્રત્યે પહેલેથી જ ઘણો લગાવ છે. તે આણંદથી લગભગ ૧૯૦ કી.મી. થાય. તો સવારની બસ માં જવાનું નક્કી કર્યું, શરૂઆતની એકાદ કલાકની મુસાફરી તો અંધારામાં જ કરી. અજવાળું થયા પછી રસ્તામાં આવતા ગામડાઓ અને ખેતરોને માણવાનું શરુ કરી દીધું. ત્યાના લોકોની રહેણીકરણી અને બોલી અમારા ચરોતરવાસીઓ કરતા ઘણી અલગ પડે. ત્યાના લોકોનો પહેરવેશ, ભાષા બધું જ અલગ. મેં જોયું ત્યાં લગભગ દરેક ભાભા ( ઘરડા દાદાને અપાતું ઉપનામ ) ના હાથમાં ડાંગ હોયજ. બીજી એક આશ્ચર્યની વાત એ કે ત્યાં ધૂળ ખુબજ ઉડે, તો પણ ત્યાના પુરુષો અને ખાસ કરીને ભાભાઓ સફેદ કપડા પહેરવાનો જ આગ્રહ રાખે. હવે આ બધાની સાથે સાથે ત્યાના લોકોની મુસાફરી કરવાની પદ્ધતિઓ પણ બદલાતી રહે. ત્યાના લોકો વધારે પડતી ૧૧ નંબરની બસ નો ઉપયોગ કરે. ( ખરેખર આવી કોઈ બસ નથી, પણ આતો હું નાનો હતો ત્યારે ઘરે એવું કહેતાકે આપડે તો આપડા બે પગ એટલે ૧૧ નંબરની બસ છે જ ને? બીજા શાની જરૂર છે? ચાલવા માંડો….) અને જો મુસાફરી કરવાની હોયત તો બુલેટ છકડા વધારે વપરાય.

બુલેટની અસલ તાકાત એ છકડામાં ભરેલા લોકો જોઇને લગાવી શકાય. હું ઘણા સમય પહેલા એમાં એક વાર બેઠો હતો, પણ મને તો એ પાછળની બાજુએ નમે એટલે બીક લાગે. પણ એ બધાની પણ એક મજા છે. આ બધું જોતા અને માણતા ક્યારે હું ગઢડા પહોચી ગયો, તેની ખબરજ ના પડી.

આમતો ચાલતી કા નામ ગાડી છે, પણ જિંદગી પણ ચાલતી જ રહે છે ને ? અટકી જાય તો એ જિંદગી ના કહેવાય. એટલે જ તો ….. ચલતી કા નામ જિંદગી…..

 

Picture Courtesy  :  Flickr

જિંદગી – એક દિવસ તો પોતાની જીવો….

 

scale

આજની સુપરફાસ્ટ જિંદગીમાં ઘણી વ્યક્તિ બીજાને ખુશ કરવા અથવાતો બીજાની ખુશી બગાડવા માટે જ જીવતા હોય છે. પણ કેટલા પોતાના માટે જીવતા હશે? દરેકને કોઈના કીધામાં રહેવું પડે છે અથવા કોઈકના આદેશ નું પાલન કરવું પડે છે. શું આ બધા માંથી થોડો સમય કાઢી ને આપણે એક દિવસ આપણી પોતાની જિંદગી નાં જીવી શકીએ ?….

બાળક જન્મે ત્યારથી એને એના માતા-પિતા ના આદેશ નું પાલન કરવું પડતું હોય છે, થોડા મોટા થાય એટલે શાળાએ જાય, ત્યાં શિક્ષક ની અજ્ઞા નું પાલન કરવું પડતું હોય છે, મોટા થઇને જોબ કરતા હોય તો ત્યાં બોસ, ઘરમાં પતિ અથવા પત્ની, ઘરડા થાય ત્યારે પોતાના સંતાનો…. શું આબધુ જ જિંદગી છે??? શું એક દિવસ આપણે પોતાની જિંદગી ના જીવી શકીએ?  હા હા હા….. જીવી શકીએ….

શાળા, નોકરી, ઘર આ બધું તો ચાલતું જ રહેવાનું, પણ કોઈક દિવસ તો આપણે પોતાના માટે જીવવું જોઇએ. આપણને જેમાં રૂચી હોય તે કરવું જોઇએ. એક દિવસ આ બધા માંથી છૂટીને આપણે પોતાની રીતે જીવવું જોઇએ. એ દિવસ કોઈને કીધા વગર આપણે આપણા શોખ કરવા. કોઈને ના કહેવાનું કારણ એ કે જો તમે કોઈને તેના વિષે કહેશો તો તેમાં અવશ્ય અડચણ આવવાનીજ છે. આ બધું છુપી રીતે જ કરવા માં મજા છે. સ્કુલ માં હતા ત્યારે બંક માર્યા હતા ત્યારે કોઈને કહેતા હતા ????

આ હું લખુ છુ, પણ, આ વાંચનારા કેટલાક તો આ કરી જ ચુક્યા હશે. કારણ કે આ લખતા પહેલા મેં જેટલાને આવી વાત કરી તો એ દરેકે કબુલ્યું કે હા યાર, મને પણ ક્યારેક આવું મન થાય છે અને મેં આવું કર્યું પણ છે. પણ હજી જેને આવું ક્યારેય થયું નથી કે આવું કરવાનો વિચાર નથી આવ્યો તેના માટે આ લખું છુ…… દરેક ને સવારે ઉઠીને રાબેતામુજબ ના કામ પર વળગવાનું તો ગમતું જ નથી હોતુ. જો એક દિવસ પોતાની મરજી થી ફરી લઈએ, કે જે કરવાની ઈચ્છા હોય તે કરી લઈએ તો, હું ચોક્કસ ખાતરી આપું છું કે પછી થોડા દિવસો માટે તમારુ મગજ ખુબજ પ્રફુલ્લિત થઇ જશે.

જે લોકોએ સ્કુલ માં બંક માર્યા હશે તે લોકો આ વાત ને સ્વીકારતા જરા પણ અચકાશે નહિ. અને જેને આ ગળે ના ઉતરે, એ તેમના કોઈ એવા મિત્ર, કે જેમણે સ્કુલ માં બંક માર્યા હોય તેમને પૂછશે તો તેઓ તેમની સ્વ-અનુભૂતિ કેહવા લાગશે અને તે વખતે તેમના ચહેરા પર ના આનંદને નીરખવાનું ભૂલતા નહિ….

જીવી જોજો એક દિવસ …….. મજા આવશે……. મને તો આવી હતી….. તમને પણ આવશે…….