સર્કસ – એક યુગનો અંત

‘ અમેરિકાનું પ્રખ્યાત રીંગલિંગ બ્રધર્સ 146 વર્ષે આજે બંધ થવા જઈ રહેલું છે.’

આમતો આ સારા સમાચાર ના કહેવાય, કેમકે એની સાથે કેટલા લોકો સંકળાયેલા હતા ? એ દરેક આજે બેરોજગાર બનશે. સાથે સાથે પ્રાણીઓને રાહત પણ મળશે. જોકે ભારતમાં તો ક્યારનુંય આ લુપ્તાતાના આરે જ છે. અમુક ગામડાઓ સિવાય ક્યાંય એ જોવા મળતું નથી. જોકે ભારતમાં જે સર્કસ થતા તેના કરતાં આ સર્કસ નું કદ ખૂબ ઉંચુ હતું. એની ભવ્યતા ગજબની હતી. પણ આજના સોસીયલ મીડિયાના જમાના માં તેને સર્વાઇવ કરવું અઘરું હતું. ( આમતો સોસીયલ મીડિયાએ ઘણા લોકોને બેકાર બનાવી દીધા છે, અને સાથે સાથે બેક્કાર પણ બનાવી દીધા છે. ). સર્ક્સમાં જે કરતબ બતાવતા હતા એ અત્યારે લોકો ફેસબુક અને યુ ટ્યુબ પર મફતમાં બતાવે છે. ( આપણે મફત જોઈએ છે, પણ એ લોકો તો કમાય જ છે.) જોકર તો અત્યારે દરેક લોકો બની શકે છે. ઓપ્પો અને વિવો જે સેલ્ફીના ફોન નો અતિરેક કરે છે, એનાથી જોકરોનું પ્રમાણ વધી ગયુ છે. ( કોઈએ બંધ બેસતી પાઘડી ના પહેરવી, આ જનરલ વાત છે. )

અત્યારના છોકરાઓને તો સર્કસ કેવું હોય એ કદાચ ખબર જ નહીં હોય પણ 90’s માં તો આની સારી એવી બોલબાલા હતી. રજાઓના દિવસો હોય કે તહેવારો, મેદાનમાં તંબુ બંધાવના ચાલુ થઈ જતા. વાઘ સિંહ ની ગાડીઓ આવતી. જ્યાં સુધી એ તંબુઓ બંધાય ત્યાં સુધી જોકરો ગામમાં ફરીને તેની જાહેરાત કરતા. અને ગામ માં કોઈ ઠીંગુંજી હોય તો એને સર્કસ હોય ત્યાં સુધી કામ મલી જતું. અમારે તો ઘરની પાછળના મેદાન માં જ સર્કસ આવતું, એટલે રાત્રે ધાબમાં સુતા હોઈએ ત્યારે વાઘ સિંહ ના અવાજો સંભળાય. ( બૌ ફાટતી’તી યાર ) એક વાર તો જોવા જવાનું પાક્કું હોય જ. પણ બેસવાનું છેક છેલ્લે પાટિયા પર. ( આગળ વાઘ સિંહ ની બીક લાગતી હતી અને આગળની ટિકિટ પણ વધારે હોય ).

એક સમયમાં સર્કસ પર ફિલ્મો અને સિરિયલ પણ બનતી, અને રાજ કપૂર, રિશી કપૂર, શાહરુખ ખાન, આશુતોષ ગોવારીકર જેવા દિગ્ગજ લોકો તેમાં અભિનય કરતા. આનાથી જ એની જાહોજલાલી માપી શકાય છે.

” સર્કસ તો આજે પણ ભજવાય છે, ફક્ત તંબુઓ બંધાતા નથી. લોકો મન ફાવે ત્યાં અને મન ફાવે તેમ ભજવે છે. ”

~ સુશાંત ધામેચા

Advertisements