ટીવી ની જાહોજલાલી…

 

Onida Television Advertisement of 90’s
Bush Black and White Television

 

 

 

 

 

 

” ભારતમાં ટીવીના દર્શકોમાં 78 ટકાનો ઘટાડો. “ આ સમાચાર વાંચ્યા. મને તો લાગતું હતું કે મેં જ ટીવી જોવાનું ઓછું કરી દીધું છે, પણ હું એકલો નથી. મને ટીવી સામે બેસી રહેવાનો ભારે કંટાળો આવે. હું કોઈ વાર જોવું તો બસ સોંગ્સ જોવું, બાકી મુવી તો મેં છેલ્લે ક્યારે જોયું યાદ નથી. કારણકે એના સિવાયની પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ છે, કે એના માટે સમય કાઢવાનું મન નથી થતું. અને કદાચ જો સમય કઢીને મુવી જોવા બેસું તો જાહેરાતનો અતિરેક જોઈને થોડીજ વારમાં કંટાળો આવવા લાગે છે. પણ આત્યારે જ્યારે વેકેશન ચાલે છે, ત્યારે મને ખરેખર ટીવી ની દયા આવે છે. મેં વેકેશનમાં એની જાહોજલાલી જોયેલી છે, અને 90 ના દાયકા વાળા દરેક લોકો આના સાક્ષી હશે જ.

અમારા ઘરે લગભગ 1986 થી ટીવી છે. એ વખતે બુશ કંપની નું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું. અને દૂરદર્શન જ આવતું. અગાસીમાં એન્ટેના લાગવાનું. જેટલી અગાસી નીચી હોય એટલી એન્ટેનાની પાઇપ ઉંચી લગાવવી પડે. રવિવારે પપ્પા અગાસી પર જઈને એન્ટેના ગોળ ગોળ ફેરવીને ઠીક કરે અને હું ટીવી પાસે બેસીને સિગ્નલ કેવો આવે છે એ બૂમ પાડું, ‘ એ આયુ, એ ગયું, બસ-બસ, ચાલશે. ‘. ત્યારે દૂરદર્શન પર મહાભારત ચાલુ થયું. એ વખતે અમારે સોસાયટી માં અમુક ના ઘરે જ ટીવી હતા. તો અમારા ઘરે પણ રાવીવરે મહાભારત જોવા ભીડ થતી. લોકો ટીવી ને પગે લાગતા. એ અરસામાં ટીવીનું વેચાણ પણ વધ્યું હતું અને નવી ચેનલોનું પણ આગમન થયું. હવે એ વખતે મારા એક મિત્રના ઘરે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું, તેને તેની આગળ ભૂરા અને લાલ રંગનો કાચ લાગયો હતો જેથી એ થોડું રંગીન જેવું લાગે. હવે આના પરથી અનુમાન લગાવી શકાય કે લોકો ને ટીવીનું કેટલું ઘેલું હતું.

હવે મારી વાત કરું તો મને પણ ટીવી નું એટલું જ ઘેલું હતું. હવે અમે જુનું બ્લેક એન્ડ વ્હાઈટ બુશનું ટીવી વેચી અને નવું ઓનિડા નું કલર ટીવી વસાવ્યું હતું. એ વખતે ટીવીમાં રિમોટ નોહતા આવતા. અને મને ચેનલો બદલવાની કાયમ ખુજલી રહેતી. એટલે હું પલંગ પર સુતા સુતા પગથી ટીવીની સ્વિચ દબાવીને ચેનલો બદલતો. હવે એ વખતે સીડી, ડીવીડી કાઈ આટલું હાથવગું હતું નહીં એટલે મુવી તો જે ચેનલ પર આવતું હોય એ જ જોવાનું. રોજ સવારે સમેવાળાના ઘરે જઈને પેપર માંથી આજે કાઈ ચેનલ પાર કયા મુવી છે એ લખી લાવું. જો એમા કોઈ સારું મુવી હોય તો મજા નૈતર હરે હરે. વેકેશનમાં આ મારો નિત્યક્રમ રહેતો. હવે એક વખત વેકેશનમાં જ કેબલ વાળાની હડતાલ પડી અને બધી ચેનલ બંધ થઈ ગઈ. એટલે આપણે ઘરે કંટાળ્યા. પપ્પા એ દુકાને આવવા કહ્યું, મેં વિચાર્યું ટાઈમ પાસ તો થશે અને સાથે સાથે ખિસ્સા ખર્ચી પણ મળી રહેશે. એ બંને મળ્યું, અને કેબલ વાળાઓની હડતાલ પણ થોડા સમયમાં પતી ગઈ, પણ હવે દુકાન તો રોજ જવું જ પડે એવું થઈ ગયું હતું. એટલે આપણી વાટ લાગી ગઈ.

છતાંપણ ટીવીની મોજ તો ચાલુ જ હતી. અમારું ભાઈબંધોનું એક ગ્રુપ હતું, તેમાં હું, પ્રીતેશ, મિતેષ અને મયંક રોજ મિતેશ ના ઘરે ઉપર ગેલેરીમાં બેસીએ, તેની ડેકમાં સોનુ નિગમનું દીવાના આલ્બમ સાંભળીએ. હવે એ વખતે જો મેચ હોય તો મિતેષ પોતાનું ટીવી ઉપર લઇ આવે. એ વખતે તો 21 ઇંચના પણ ભારે ભરખમ ટીવી આવતા હતા. પણ એ લગભગ રોજ જ તેને ઉપર લાવે અને ફરી પાછો નીચે લઇ જાય. જો મેચ ના હોય તો અમારા કેબલ વાળા ભાઈ એ એક ડિમાન્ડ સોન્ગ ચેનલ ચાલુ કરી હતી. તેમાં ફોન કરીને આપણું ફેવરિટ સોન્ગ વગાડવાની રિકવેશટ કરવાની. એમ તો એના ફોન ના બિલ મોટા અવવા લાગ્યા. એમાં એ વખતે મારુ અને મિતેષનું એક ફેવરિટ સોન્ગ હતું, અદનાન સામી નું ” મુજકોભી તો લિફ્ટ કારા દે “. જ્યારે એ સોન્ગ ડિમાન્ડ ચેનલ પર આવે ત્યારે તે મને મારા ઘરની લેન્ડલાઈન પર મિસ્કોલ મારે એટલે હું એ સોન્ગ જોવું.

પણ આ બધાની એક મજા હતી. આજે તો આવા કશાની જરૂર જ નથી. યુ ટ્યુબ પર બધું હાથવગું થઇ ગયું છે અને  જીયો પર બધી ટીવી ચેનેલો મફત જોવા મળે છે. હમણાં આઇપીએલ ચાલે છે, તો એક વાર હું અમારે ત્યાં વૃંદાવન ગ્રાઉન્ડમાં ટેન્ટ બઝાર ભરાય છે, ત્યાં ટેન્ટ વાળો પોતાના મોબાઈલમાં લાઈવ મેચ જોતો હતો. ત્યાં બહાર એક સેન્ડવીચની લારી વાળો યુ ટ્યુબ પર સોંગ જોતો જોતો સેન્ડવીચ બનાવતો હતો.

છેલ્લે એક વાત કે અમને પરીક્ષા સમયે સજા પણ ટીવી નહિ જોવા દેવા બાબત ની જ થતી હતી અને અમને એનું દુખ પણ થતું હતું. અત્યારે એ સજા મોબાઈલના ડેટા પેક માટે પરિવર્તિત થઇ ગઈ છે.

Advertisements